ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. પોતાની પાર્ટીને છોડી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ, કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે તાજેતરના જ. ભાજપમાં ચાલતા ભરતી મેળાને લઈ ભાજપના જ નેતાઓમાં, કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. અનેક કાર્યકર્તાઓની લાગણી છલકાઈ પણ જતી હોય છે. ત્યારે ભાજપમાં ચાલતા અસંતોષની લાગણી વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.
બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર!
લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અનેક બેઠકો માટે ઉમેદવારોને લઈ મનોમંથન પાર્ટીમાં ચાલી રહ્યું છે. ભાજપમાં પ્રથમ વખત કદાચ એવી ઘટના બની છે કે ઉમેદવાર ઘોષિત કરાયા બાદ તેને બદલવામાં આવ્યા હોય. વડોદરા તેમજ સાબરકાંઠામાં આવું થયું છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને પદની લાલચ આપવામાં આવી હોઈ શકે છે. કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જવાથી ભાજપના અનેક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. અનેક વખત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ઉભરીને સામે આવતા હોય છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે. અરવલ્લીના એક ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ ગયા હતા ત્યાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઉમેદવારોને બદલી લેવાાં આવ્યા તેને લઈ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભાજપને અહંકારી પાર્ટી કહી હતી.