ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સૌથી ટુકું સત્ર આજથી શરૂ થયું. 14 મી વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે. ટૂંકી મુદતનું આ વિધાનસભા સત્ર તોફાની રહેશે તેવું માનવામાં આવતું હતું. આજે કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે મોંઘવારી, ડ્ર્ગ્સ, સરકારી કર્મચારીઓના આંદોલનો સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા તે પહેલા કોંગ્રેસે જોરદાર વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા વેલ સુધી ધસી આવ્યા હતાં. જો કે બાદમાં અધ્યક્ષ નિમાબેન આચાર્યે ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં.
10 ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ
વિધાનસભા ગૃહની કાર્યવાહી આજે 12 વાગે શરૂ થઈ તે સમયે જ કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર શરૂ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લે કાર્ડ અને બેનર સાથે દેખાવ કરવામાં આવ્યા. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની જગ્યા પર ઉભા થયા થઈ સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ લગાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ગૃહની વેલમાં આવી ગયા હતા.જેના પગલે સરકારમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્તને અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચાર કરીને વોક આઉટ કર્યું હતું. ઉગ્ર સુત્રોચ્ચાર કરતા કેટલાક તોફાની ધારાસભ્યોને સાર્જન્ટ દ્વારા ગૃહ બહાર લઈ જવામાં આવ્યા હતા.
કયા ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા
મોંઘવારી, બેરોજગારી અને આંદોલન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં આવી સૂત્રોચાર કર્યો હતો. વિરોધના મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, પ્રતાપભાઈ દુધાત, અમરીશ ડેર, બાબુભાઈ વાજા વિજયભાઈ, પુનાભાઈ ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાળા અને અન્ય વિડિયોગ્રાફિ થયેલા ધારાસભ્યોને અધ્યક્ષ દ્વારા એક દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિધાનસભામાં કડક પોલીસ બંદોબસ્ત
વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. અલગ અલગ આંદોલનને લઈને વિધાનસભા સચિવાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગેટ નંબર 1 અને 4 ના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.