ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટીને અનેક પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ભાજપને ઓપન ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી પર નવો ડેમ બનાવ્યો નથી.
ડેમને લઈ કોંગ્રેસે ભાજપને કરી ઓપન ચેલેન્જ
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો જ હાંસલ થઈ છે. બજેટ સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીને લઈને પણ કોંગ્રેસ આક્રામક મૂડમાં દેખાઈ હતી. બજેટ સત્ર દરમિયાન સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં સરકાર તરફથી ચોંકાવનારા જવાબ આપવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકારને ઓપન ચેલેન્જ આપી છે જેમાં તેમણે કહ્યું કે જો સરકારે નવો ડેમ બનાવ્યો હોય તો મને બતાવો. જો નવો ડેમ બન્યો હશે તો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.
બટાકા-ડુંગળીનો મુદ્દો ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો
તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ ખેડૂતોને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગેનીબેને કહ્યું કે બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજારમાં બટાકા 20 રુપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતોને માત્ર 2-3 રુપિયા મળી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતોને મળતા ભાવ વચ્ચેનો તફાવત ઓછો કરવો જોઈએ. સરકારે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ.