ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મોજ સાથે ઉત્સવ ઉજવાયો હતો. પર્વની ઉજવણી દરમિયાન રાજનીતિને લઈ પણ નેતાઓએ ટિપ્પણી કરી હતી. ત્યારે સોમનાથ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા નથી ઈચ્છતા.
કોળી સમાજના સ્નેહમિલનમાં વિમલ ચુડાસમા થયા સામેલ
સોમનાથમાં વીર માંધતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. ત્યાં આપેલા નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે રાજનીતિના માણસ તરીકે નહીં પરંતુ સમાજના દીકરા તરીકે રહેવાનું હોય.
હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા નથી માગતો - કોંગ્રેસ ધારાસભ્ય
વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો પરંતુ કોળી સમાજનો રહેવા માગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે આપ સમાજના લોકો માટે લડુ અને હંમેશા લડતો રહીશ.
સી.આર.પાટીલે પણ આપ્યું હતું નિવેદન
ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. કોંગ્રેસને ઓછી સીટો પર વિજય મળ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે.