ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી સંભાવનાથી રાજકારણ ગરમાયું છે. જો કે કોંગ્રેસ નેતૃત્વ આ બાબતને અફવા ગણાવી રદિયો આપી રહ્યું છે.
ધારાસભ્ય લલીત વસોયાએ કર્યો ખુલાસો
ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રદેશના બે પાટીદાર નેતા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય લલીત વસોયા અને હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી વાતો ચાલી હતી. આ વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે, હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું.
શા માટે રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું
લલીત વસોયા અનેક વખત ભાજપના નેતા સાથે જોવા મળે છે. વળી તેમની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે પણ નિકટતા રહી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. આ બધા કારણોથી લલીત વસોયા ચુંટણી પહેલા કોંગ્રેસને ઝટકો આપશે અને ભાજપ સાથે જોડાય તેવી અટકળો અવારનવાર થતી રહે છે.