આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારથી પોલીસ ફરિયાદ થયા હોવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ ચૈતર વસાવા મુહીમ ચાલી રહી છે. આ બધા વચ્ચે વાંસદના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. એક વીડિયો શેર કરી તેમણે આ વાતની જાહેરાત કરી છે.
યુવરાજસિંહ સહિતના લોકોને પોલીસે કર્યા હતા ડિટેન
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તેમની ધરપકડ કરે તે પહેલા જ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસની પકડથી હજી પણ દૂર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાફલા સાથે ડેડિયાપાડા જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. અનેક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી છે.
અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે સરકાર આદિવાસી સમાજના જનપ્રતિનિધિ ચૈતરભાઈને ખોટી FIR દાખલ કરી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને કહ્યું કે ચૈતરભાઈ કે જેઓ આદિવાસી સમાજની કાયમથી ચિંતા કરે છે અને સમાજના નાના મોટા તમામ પ્રશ્નોને વાચા આપે છે . ચૈતરભાઈ પર આ રીતે ખોટી FIR કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.