કોંગ્રેસના જાણીતા આદીવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારના જમીન સંપાદનના પગલા સામે બાંયો ચઢાવી છે. તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56ના વિસ્તરણ માટે થતા જમીન સંપાદનના વિરોધમાં અનંત પટેલે વલસાડના ધરમપુરમાં રેલી યોજી હતી. આ રેલીમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ.
જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે છેલ્લા થોડા સમયથી આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇ વે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે. જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ વિરોધ નોંધાવી રહ્યાં છે. સેંકડો ખેડૂતોની જમીન બચાાવવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અનંત પટેલ જોરદાર વિરોધ કરી રહ્યાં છે.
અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ રેલી
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો અને જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે 56માં ખેડૂતોની જતી જમીનને લઈને ધરમપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોની સાથે આદિવાસીઓ મોટી સંખ્યામાં ધરમપુર પ્રાંત અધિકારી કચેરીએ ભેગા થયા હતા. જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોઘ કરવા માટે આદિવાસી સમાજે વિશાળ રેલી પણ યોજી હતી. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જંગલ, જમીન પર અમારો હક છે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ.