એક તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ ગુજરાતની ચાર બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. જે મુજબ 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા પરંતુ ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઘણા સમયથી મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ તેમજ મહેસાણા માટે કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત આજે કરી શકે છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી પરંતુ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી ન હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભાવનગર તેમજ ભરૂચ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, કોંગ્રેસે 20 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ હજી સુધી ચાર બેઠકો એવી છે જેના માટે નામ જાહેર નથી કરાયા. આ બધા વચ્ચે બાકી રહેલી ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે તેના નામોની ચર્ચા થઈ રહી છે... જે નામોની ચર્ચા થઈ રહી છે તે ફાઈનલ જેવા છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ઉમેદવાર તરીકે આમના નામોની થઈ રહી છે ચર્ચા
જે નામો હાલ ચર્ચામાં છે તેની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી, નવસારીથી નૈષદ દેસાઈ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાથી ઠાકોરના સમાજના ઉમેદવારને ટિકીટ મળી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે તેવી ચર્ચાઓ ક્યારની ચાલી રહી હતી. લોકસભાના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત થશે પરંતુ સાથે સાથે પાંચ વિધાનસભા સભા પર થનારી પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારના નામની જાહેરાત થવાની છે. સૌ કોઈની નજર કોંગ્રેસના ઉમેદવારો પર રહેલી છે...