ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્ટિવ થઈ ગઈ છે. બન્ને પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ ચૂંટણીને લઈ એટલી સક્રિય નથી થઈ. પરંતુ મળતી માહિતી મુજબ થોડા સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
દિવાળી પહેલા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ
ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવોરાનું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. પ્રચાર માટે જ્યારે ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસ દિવાળી પહેલા અથવા તો તે બાદ જાહેર થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે.
50 ઉમેદવારોના નામ થઈ શકે છે પ્રથમ લિસ્ટમાં જાહેર
ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જે બાદ એક બે દિવસમાં આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ લિસ્ટમાં 50 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી જ્યારે આમ આદમી પાર્ટીએ 4 લિસ્ટ જાહેર કરી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.