લોકસભા ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણીની તારીખોની જેટલી ઉતાવળ હોય છે તેવી જ રીતે કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પણ ઉત્સુક્તા લોકોને રહેતી હોય છે. શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 195 ઉમેદવારોના નામ હતા ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર 40 ઉમેદવારોના નામ હોઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હોઈ શકે છે.
આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર!
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ભાજપની પાર્લિયામેન્ટ બોર્ડની બેઠક જ્યારથી થઈ હતી ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે ઉમેદવારોના નામની ચર્ચા થઈ શકે છે. રોજે સમાચાર આવતા હતા કે આજે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે પરંતુ ભાજપે શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બધાની નજર કોંગ્રેસના ઉમેદવારો પર હતી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં 40 ઉમેદવારોના નામ હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આજે ઉમેદવારોને લઈ બનેલું સસ્પેન્સ ખુલી શકે છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાના નામનો હોઈ શકે છે સમાવેશ પ્રથમ યાદીમાં!
ઉમેદવારની પ્રથમ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામ સામેલ હોવાની સંભાવનાઓ રહેલી છે. મળતી માહિતી અનુસાર વાયનાડ સીટથી રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર બની ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. અસમંજસ એ છે કે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં આ વાત પર સસ્પેન્સ બનેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે ઉમેદવારોના નામમાં શશિ થરૂર, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામની ઘોષણા થઈ શકે છે. બેઠકમાં મણિપુર, નાગાલેન્ડ. સિક્કિમ અને મેઘાલયના ઉમેદવારોને લઈ ચર્ચા થઈ હતી અને ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.
ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ ઉતારવાની છે ઉમેદવાર
મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ગુજરાતના કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.