આગામી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે ભરતી અભિયાન શરૂ કરી દીધું છે. આજે ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ફરી મોટું ભંગાણ થયું છે. અરવલ્લીમાં 30 સિનિયર નેતાઓ સહિત 350થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કરતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસના આ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાયા છે. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા છે. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. સાબરડેરી ડિરેક્ટર અને પૂર્વ જી.પં કારોબારી અધ્યક્ષ સચિન પટેલ જોડાયા ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
AAPના રાહુલ સોલંકી પણ ભાજપના
ભાજપના આ ભરતી અભિયાનમાં માત્ર કોંગ્રેસના જ નહીં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. AAPના 30-40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. જેમાં તાલુકા સદસ્ય રાહુલ સોલંકીનો પણ સમાવેશ થાય છે.