ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ લોકોની સમસ્યાઓને લઈ આક્રમક બની છે. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસના આજે સવારના 8થી 12 વાગ્યા સુધીનાં રાજ્યવ્યાપી બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ક્યાંક બંધની અસર જોવા મળી તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર પણ જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ તરફ આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતા નેતાઓને નજરકેદ કરાયા છે. વિગતો મુજબ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં તમામ નેતાઓને નજર કેદ હેઠળ રખાયા છે.
બંધની અસર કેવી રહી
રાજ્યભરમાં કોંગેસના પ્રતિક બંધને ક્યા મજબુત તો ક્યાક નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ અને GLS કોલેજ બંધ કરાવી હતી. NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને વિદ્યાર્થીઓને બંધને સમર્થન આપવા જણાવ્યું હતું અને તેમને ઘરે મોકલી દીધા હતા. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના સાંકેતિક બંધને પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી હતી. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા. તે ઉપરાંત આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. રાજકોટમાં કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી.
કોંગ્રેસના કયા નેતાઓની કરાઈ અટકાયત?
બંધનું એલાન આપ્યા બાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સવારથી જ વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યા હતા. રાજ્ય પોલીસ વિભાગે પણ તાત્કાલિક પગલા લઈ કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ,ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને પણ નજરકેદ કર્યા છે.
Gujarat | Congress workers protest in Bharuch as the party has called a 'symbolic bandh' today to protest against inflation and unemployment pic.twitter.com/ib8BL7TMJ0
— ANI (@ANI) September 10, 2022