કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદીય દળની નેતા સોનિયા ગાંધીને તાવની બિમારીના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે કે તેમની હાલત સ્થિર છે. સોનિયા ગાંધીને હાલ તાવના કારણે ચેસ્ટ મેડિસીન વિભાગના હેડ ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
સોનિયા ગાંધી સારવાર હેઠળ
સોનિયા ગાંધી હાલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરોની નિરિક્ષણમાં સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયતને લઈ ચિંતાનું કોઈ કારણ નથી અને તબિયત સ્થિર છે. સોનિયા ગાંધીના હેલ્થ સંબંધિત વિવિધ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી હાલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. સોનિયા ગાંધી આ પહેલા પણ તબિયતના કારણોથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. કોવિડકાળ બાદ સોનિયા ગાંધીની તબિયત અવારનવાર બીમાર રહે છે.
જાન્યુઆરીમાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
આ પહેલા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 5 જાન્યુઆરીએ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઈરલ ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી. તે સમયે સોનિયાની પુત્રી પ્રિયંકા ગાંધી તેની માતા સાથે હાજર હતી.