ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌથી વધુ કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે. હવે અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું છે. કોંગ્રેસે વિજયસિંહ પટેલને ટિકિટ આપતા તેમણે પાર્ટી સામે નારાજગી દર્શાવી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. મગન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં આ સૌથી મોટો ઝટકો કહીં શકાય.
મગન પટેલ 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે
મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસથી નારાજ હતા. મગન પટેલની સાથે તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનોએ રાજીનામું ધરી દીધા હતા. હવે તેઓ તેમના 300થી વધુ સમર્થકો સાથે કેસરીયા કરશે. મગન પટેલ તેમના સમર્થકો સાથે ગાંઘીનગર પહોંચશે અને સી આર પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાશે.
મગન પટેલે શા માટે કોંગ્રેસ છોડી?
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મગન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડાવવા પાછળ ટિકિટની લાલચ નથી, તથા મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'