સુરત રેલવે સ્ટેશનમાં એક દુર્ઘટના સર્જાઈ છે. તહેવાર દરમિયાન વતન જવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. દિવાળીના સમયે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. એસટી બસ સ્ટેશન હોય કે પછી રેલવે સ્ટેશન હોય દરેક જગ્યાઓ પર વેઈટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશનથી એક દુખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ત્યાંની મુલાકાત લેવાના છે.
શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર
દિવાળી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોંગ્રેસ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે સુરતથી બિહાર અને યુપી જવા માટે વધારે ટ્રેન ફાળવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરાઈ રહી છે. જન આંદોલન પણ થયું હતું પરંતુ સરકારે તેમની માગની અવગણના કરી. સરકારની અનદેખીનું આ પરિણામ છે તેવી ટ્વિટ શક્તિસિંહ ગોહિલે કરી છે.