લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ એક બાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્રીજી યાદી આજે જાહેર થાય તેવી સાંભવનાઓ છે પણ એ પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોને ફોન કરી અને તૈયારીઓ કરવા કહી દીધું છે. અને એમાંથી એક નામ છે જે.પી.મારવિયા જેમને પૂનમ માડમ સામે મેદાને ઉતારવામાં આવશે તેવી વાતો થઈ રહી છે.
જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે જે.પી.મારવિયા!
ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ત્યારે જામનગર બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ એટલે પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. તો આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની પસંદગી કરી નાખી છે તેવી વાત સામે આવી છે. એવી સંભાવનાઓ છે કે અહીંથી કોંગ્રેસ જે.પી.મારવિયાને મેદાનમાં ઉતારશે, મહત્વનું છે કે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ જામનગરના કાર્યકર્તોમાં અત્યારથી આને લઈ ઉત્સાહ દેખાઈ ગયો છે. ઉત્સાહમાં કાર્યકર્તાઓ આવી ગયા છે.
હાઈકમાન્ડ દ્વારા ફોન કરવામાં આવ્યો હોવાની વાત
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી.મારવિયાને ફોન કરી દેવામાં આવ્યો છે અને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. મારવિયાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની પણ સૂચના આપી છે. ભાજપે જામનગર બેઠક પરથી સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર આહિર અને પાટીદાર નેતા વચ્ચે જંગ જામશે તેવું લાગી રહ્યું છે. જો જે.પી. મારવિયાની વાત કરીએ તો તે કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે અને તેઓ કાલાવડ બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે.
શું છે જામનગર બેઠકનો ઈતિહાસ?
હવે જામનગર લોકસભા બેઠકની વાત કરી તો જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચથી ભરેલો છે. આ બેઠક પર વર્ષ 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે છ વખત અને અન્ય પક્ષોને બે વાર જીત મેળવી છે. આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ વધારે છે છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે આહિર સમાજ સામે કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી છેતે કંઈક નવું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા.જોકે થોડા સમય પહેલાજ એજ મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એટલે કોંગ્રેસ પાસે હાલ નવો દાવ રમવા સિવાય ઓપ્શન નથી.
જાતિગત સમીકરણોની વાત કરીએ તો...
આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો જામનગર બેઠક પર આહીર, મુસ્લિમ, પાટીદાર સાથે SC અને ST મતદારો, બ્રાહ્મણ મતદારોનું પ્રભુત્વ પણ જોવા મળે છે. મુસ્લિમ મતદારોની 13.86 ટકા,આહિર સમાજની 5.69 ટકા, SC અને ST મતદારોની 14.92 ટકા સંખ્યા છે. ત્યારે કોંગ્રેસનો આ નવો દાવ કેટલો કામ લાગે છે? જામનગરની જનતા કોને પસંદ કરે છે અને અંતે કોંગ્રેસ કયા નામની જાહેરાત કરે છે તે જોવું રહ્યું.