રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે હજી સુધી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર પાડી છે જેમાં 195 ઉમેદવારોના નામ હતા જ્યારે કોંગ્રેસે બે યાદી ઉમેદવારોના નામની બહાર પાડી છે. પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. ગુજરાતની 24 બેઠકોમાંથી 7 બેઠકો માટે ઉમેદવારો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, બારડોલી, વલસાડ, અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, દમણ-દીવ તેમજ કચ્છ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે બીજી યાદીમાં જાહેર કર્યા ગુજરાતના ઉમેદવારોના નામ
લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા તેજ કરવામાં આવી ગઈ છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની રાહ તો લોકો જોઈ જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે ઉમેદવારોના નામની પણ બેતાબી મતદાતાઓને રહેલી છે. ગુજરાત સહિત અનેક રાજ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી તેના થોડા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરવામાં આવી. પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ અંગે જાહેરાત કરવામાં ન આવી હતી. ત્યારે ગઈકાલે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ગેનીબેન ઠાકોર, અનંત પટેલ સહિત આમને બનાવ્યા ઉમેદવાર
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, 24માંથી 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે વલસાડથી અનંત પટેલને, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, દીવ-દમણથી કેતન પટેલ જ્યારે કચ્છથી નિતીશ લાલનને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યોને લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.