રાજ્ય અને દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસે આજે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસે આજે સવારે 8 થી 12 વાગ્યા સુધી બંધની ઘોષણા કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. બીજી તરફ NSUI દ્વારા અમદાવાદમાં કેટલીક કોલેજો બંધ કરાવવામાં આવી હતી. જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓ સાથે નરોડામાં રેલી કાઢી હતી.
વેપારી મંડળોને બંધમાં જોડાવા અપીલ
કોંગ્રેસ દ્વારા વેપારી મંડળોને સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી આંસિક બંધ રાખવા રજુઆત કરવામાં આવી હતી. ઘઉં, દુધ, દહીં, તેલ, ગોળમાં જીએસટીનો ભાવ વધારો અને પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વધારાને કારણે સર્જાયેલી આ સ્થિતિના વિરોધમાં આપવામાં આવેલા આ સાંકેતિક બંધને વેપારી મંડળો અને નાગરિકો ટેકો આપે તે માટે કોંગ્રેસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. આજે વિવિધ સ્થળે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કર્યા હતાં.
કોંગ્રેસના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી
ગુજરાત બંધના સમર્થન માટે કોંગ્રેસ અને NSUIના કાર્યકરો આજે ગુજરાતભરમાં ધરણા-પ્રદર્શનો કર્યા હતા. અમદાવાદમાં શિક્ષણકાર્ય બંધ કરાવાયું હતું. NSUIના કાર્યકરોએ GLS અને સેન્ટ ઝેવિયર્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી.
રાજ્યમાં ધાકધમકીનું શાસન
ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. પણ ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે. વેપારીઓને ધમકાવીને બંધને નિષ્ફળ રાખવાનો પ્રયાસ ભાજપ કરે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતો કે રાજ્યમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે. વિરમગામમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ બજાર બંધ કરાવવા જતાં તેમની પોલીસે તેમની અટકાયત કરી હતી.