મનહર પટેલનો દાવો, 'નરેશ પટેલ ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય, પરંતુ અમને બહાર રહીને મદદ કરશે'
કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે.
કોંગ્રેસ નેતા મનહર પટેલની ફાઇલ તસ્વીર
વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મેદાને આવ્યા છે. આજે કોંગ્રેસના 25 જેટલા પાટીદાર નેતાઓએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક અંગે કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે.
ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલની ફાઇલ તસ્વીર
મનહર પટેલે વધુમાં કહ્યું હતું કે. ભાજપના 27 વર્ષના શાસનથી લોકો થાકી ગયા છે. શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી અને મોંધવારી જેવા મુદ્દાઓ રહેલા છે, ત્યારે આ વર્ષે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને તેમાં પાટીદાર નેતા નરેશ પટેલનું સમર્થન મળે અને કોંગ્રેસની સરકાર બને તેવા અમારા પ્રયત્નો છે. આજે નરેશ પટેલને મળીને પાટીદારોની ચિંતન શિબીરનું આયોજન કરાયું છે જે આગામી દિવસોમાં ગુજરાતના દરેક ઝોનમાં કરવામાં આવશે.
મહત્વનું છે કે નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ દૂર રહેશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ અચાનક જ નરેશ પટેલની કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.