કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થઈ ચૂકી છે અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની બાકીની બેઠકો માટે મનોમંથન હાથ ધર્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત માટે માત્ર ૭ લોકસભા સીટો પર નામની ઘોષણા કરી છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, નવસારી લોકસભા પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સામે મુમતાઝ પટેલને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.
નવસારી બેઠક પરથી કોંગ્રેસ ઉતારી શકે છે મુમતાઝ પટેલને
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ગઠબંધન થતાં કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. અહેમદ શાહના પુત્ર તેમજ પુત્રીએ ગઠબંધનને લઈ નારાજગી દર્શાવી હતી. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે જે નિવેદન આપ્યા હતા તેની પરથી લાગતું હતું કે તે અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે! ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે નવસારી બેઠક પરથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉમેદરવાર તરીકે ઘોષિત કરી શકે છે.
ભરૂચ લોકસભા બેઠક માટે મુમતાઝ પટેલે માગી હતી ટિકીટ!
નવસારી લોકસભા પર 2009થી BJPના હાલના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. 2019માં તેમણે સૌથી વધારે માર્જિન એટલે કે ૬, ૮૯, ૬૬૮ વોટોની સરસાઈ પ્રાપ્ત કરી હતી . અને હવે ખબર આવી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી અહીંથી અહેમદ પટેલના દીકરી મુમતાઝને ઉતારી શકે છે. આ અગાઉ મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા પરથી ટિકીટ માંગી હતી પણ આ બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને અપાઈ ગઈ છે . જેથી નસીબ અજમાવવા માંગતા મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારી બેઠક પરથી ટિકીટ આપી શકે છે .
નવસારીના જાતિગત સમીકરણોની વાત કરીએ તો..
હવે જોઈએ નવસારી બેઠકના સમીકરણને. નવસારી લોકસભા બેઠકમાં ૭ વિધાનસભાઓ આવે છે અને તે છે લીંબાયત, ઉધના , મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી. આ લોકસભા બેઠક પર પાટીદાર સમાજ,અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક બને છે . આ સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના સુરત ખાતેના ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક યોજાઈ હતી. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ આ બેઠક ભલે મુમતાઝ માટે અનુકૂળ નથી, સી.આર.પાટીલની સામે આ ચેહરો મજબૂત તેમજ લોકપ્રીય સાબિત થશે તેવી કોંગ્રેસ પાર્ટીની ગણતરી છે.
કોંગ્રેસમાં પણ થઈ શકે છે આંતરિક ડખા!
આ વસ્તુની સામે મુમતાઝ માટે ચેલેન્જ એ છે કે તેઓ નવસારી લોકસભાના સ્થાનિક ઉમેદવાર નથી ઉપરાંત સ્થાનિક રાજકારણ , મુદ્દાઓ , કાર્યકરો , સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે . અને કોંગ્રેસના કાર્યકરો આ skyleb ઉમેદવારથી નારાજ પણ થઈ શકે છે . તો હવે જોઈએ કે નવસારીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કોંગ્રેસ પાર્ટી કોને ટિકિટ આપે છે ?