ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રની કાર્યવાહી દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કિરણ પટેલને લઈ હાથમાં પ્લેકાર્ડ લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે સત્રની સમાપ્તિ સુધી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે કિરણ પટેલનો મુદ્દો અમે ઉઠાવવાના હોવાથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો
કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરવામાં આવી રહી છે. અદાણીનો મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો જ્યારે ગુજરાત વિધાનસભામાં પણ અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થયું છે. જેનો વિરોધ કરવા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સાંસદો દ્વારા ગઈકાલે કાળા કપડા પહેરી કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
પ્લેકાર્ડ લઈ કિરણ પટેલને લઈ કર્યો વિરોધ
અદાણી સિવાય મહાઠગ કિરણ પટેલનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠ્યો હતો. હાથમાં પ્લેકાર્ડ લઈ કિરણ પટેલને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માગ કરી હતી કે ગૃહમાં મહાઠગ કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે.
ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન
આ મામલે ગેનીબહેન ઠાકોરે કહ્યું કે આજે અમે કિરણ પટેલ અંગે ગૃહમાં ચર્ચા કરવા માગતા હતા. મુખ્યમંત્રી, સીએમઓ, પીએમઓને ઓવરટેક કરીને કંઈ રીતે ઝેડ પ્લ્સ સુરક્ષા મેળવી હતી. તેમને ખબર જ ન હતી. આ બધું જ ગરીબોના પૈસા ઠગીને મહાઠગે જલસા કર્યા છે. સત્ર દરમિયાન અમને સસ્પેન્ડ કરાયા છે.
ચર્ચા ન થાય તે માટે અમને કરાયા સસ્પેન્ડ - કોંગ્રેસના ધારાસભ્યો
તે સિવાય અર્જૂન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે મહાઠગ કિરણ મુદ્દે ચર્ચા કરવા 116ની નોટીસ આપી છે. આ ચર્ચા ન થાય તે માટે અમને સત્ર પૂરૂ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુર્ભાગ્યપણે સરકાર ડબલ એન્જિન ગણાવે છે પણ ડબલ એન્જિન સરકારના વહીવટદાર મહાઠગ કિરણ પટેલ છે. જે સીએમઓ અને પીએમઓ જ ચલાવે છે.
સી.જે.ચાવડાએ આપ્યું નિવેદન
તે સિવાય સી.જે ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કિરણ પટેલે સત્તાનો દુરૂપયોગ સીએમઓ અને પીએમઓમાંથી થયો છે. કોઈકની મહેરબાનીથી આ બધું થયું છે. આની તપાસ થશે એટલે જવાબ સામે આવી જશે, તેમાં મોટા મોટા માથાનો ખુલાસો થઈ શકે છે. આમને ખબર હતી કે આ લોકો અદાણી સુધી આવ્યા પછી, કિરણ પટેલ, પછી પીએમઓ અને સીએમઓ સુધી આવશે. એટલે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે.