નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સામે આવતા લોકોમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું સરકાર તેમજ સુરક્ષા એજન્સીને મુર્ખ બનાવું આટલું સરળ છે? એક વ્યક્તિ પોતાને પીએમઓ અધિકારી બતાવી મહત્વપૂર્ણ બેઠક કરે છે, વીઆઈપી સુવિધાઓ લે છે તો કેવી રીતે કોઈને પણ આ અંગે ખબર ન પડી. આવી અનેક વાતોને લઈ કોંગ્રેસે પ્રશ્નો કર્યા છે. પ્રધાનમંત્રી દેશની જનતાને જવાબ આપે તેવી માગ કોંગ્રેસે કરી હતી સાથે સાથે આઠ સવાલો પણ કર્યા છે.
કિરણ પટેલને લઈ કોંગ્રેસે ભાજપ પાસે માગ્યા જવાબ
ગઈકાલે એક મુદ્દા અંગે ચર્ચા થઈ હતી તે હતી કિરણ પટેલની. પોતાને પીએમઓના અધિકારી બતાવી વીઆઈપી સુવિધાઓ લીધી તેમજ અનેક બેઠકો પણ કરી હતી. સમગ્ર મામલો સામે આવતા દેશની સુરક્ષાને લઈ મોટો ખતરો છે. આ વાતને લઈ કોંગ્રેસે સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે 8 સવાલો પૂછ્યા હતા અને સરકાર પાસે આનો જવાબ માગ્યો હતો. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અધિકારી ઓ સાથે બેઠકો કરી, લાલ ચોકની પણ મુલાકાત લીધી હતી ઉપરાંત ઉરીની કમાન્ડ પોસ્ટ સુધી પહોંચી જાય છે. કોંગ્રેસ પક્ષનો અને દેશની જનતાનો પ્રશ્ન છે કે કિરણ પટેલને ઓળખી કેમ ન શક્યા? ઓળખકાર્ડમાં પોસ્ટ બતાવી અને ચકાસણી કેમ ન થઈ?
કોંગ્રેસે પૂછ્યા અનેક સવાલ
વધુમાં તેમણે કહ્યું કે ઝેડ પ્લસ સિક્યોરિટી માટે નીતિ નિયમો હોય છે. કોના આશીર્વાદથી સિક્યોરિટી સાથે ફરતા? નકલી પીએમઓ અધિકારી સંવદેનશીલ વિસ્તારમાં સત્તાવાર મુલાકાત કરે, નકલી પીએસઆઈ કરાઈમાં ટ્રેનિંગ લે છે અને હવો આ કિસ્સો સામે આવ્યો છે. આટલી મોટી ચૂક કેમ થાય. આ અંગે કેન્દ્ર સરકાર જવાબ આપે.
કિરણ પટેલના ભાજપના નેતાઓ સાથેના ફોટા થયા હતા વાયરલ
કિરણ પટેલના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા છે. કોંગ્રેસે આને લઈ પ્રહાર કરતા કહ્યું કે કિરણ પટેલના અનેક ભાજપના નેતાઓ સાથેના ફોટા છે. આ ફોટોગ્રાફ કિરણ પટેલના વેરિફાઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકેલા છે. અધિકારીની ગોઠવણકે પદાધિકારીઓની મિલીભગત-ગોઠવણ છે? એ વાત ચોક્કસ છે કે આ રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર ચૂક છે. ગૃહ મંત્રાલયની મદદ વગર ઝેડ પ્લસ સિક્યોરિટી કેમ મળે તેનો જવાબ આપવો જોઈએ. આ મોટી બેદરકારી છે. ભાજપને પૂછવા માગીએ છીએ કે મજબૂત સરકારની વાતો કરતી સરકાર લોકોને સુરક્ષા આપવા માગે છે કે આવા નકલીને ઓળખકાર્ડ વાળાને આપવા માગે છે? આ તમામ વિગતોના ખુલાસા થવા જોઈએ.
કોંગ્રેસે આ પ્રશ્નોના જવાબો ભારતીય જનતા પાર્ટી પાસેથી માગ્યા છે:
1. કેમ આરોપી કિરણ પટેલને અધિકારીઓ કે સુરક્ષા વિભાગ ઓળખી ન શકી?
2. કેમ ઉચ્ચ અધિકારીઓ પણ કિરણ પટેલના ઝાંસામાં આવી ગયા?
3. પીએમઓનું કાર્ડ અસલી છે કે નકલી તેની કેમ કોઈ તપાસ ન કરાઈ?
4. જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેમ?
5. આરોપી બોર્ડર સુધી પોલીસ રક્ષણમાં ફર્યો છતાં કેમ કોઈને ગંધ ન આવી?
6.ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છતાં ઠગબાજની ઓળખ ન થઈ?
7. કિરણ પટેલને બદલે કોઈ આતંકવાદી હોત તો શું સ્થિતિ સર્જાત?
8. સંવેદનશીલ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ મળ્યો હોત તો ?
સરકાર જવાબ આપે તેવી કોંગ્રેસની માગ
મહત્વનું છે જ્યારે કિરણ પટેલનું ટ્વિટર હેન્ડલમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે અનેક મુદ્દાઓને લઈ કિરણ પટેલે ભાજપ વિરુદ્ધ ટ્વિટ કર્યા હતા. ત્યારે ભાજપ સરકાર પૂછાયેલા 8 પ્રશ્નોનો જવાબ આપે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.