ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં શિક્ષણ, મોંઘવારી, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂત લક્ષી સહિત અનેક મુદ્દાઓને આવરી લીધા છે.
વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાશે
અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ઘોષણા પત્ર જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે જગદીશ ઠાકોર, રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે 125 સીટથી સરકાર બનાવી રહી છે. પોતાના ઢંઢેરામાં પાર્ટીએ ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ હાથ ધરાશે.
મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કર્યું છે કે પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન સ્થાપિત કરવાનો વાયદો આપ્યો છે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવામાં આવશે. ઉપરાંત મહિલા સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ સૌથી ચર્ચિત બિલ્કીસ બાનુ કેસના આરોપીઓને સજા માફ કરવાના નિર્ણયને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.