ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 14મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ મોડી રાત્રે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં 46 ઉમેદવારોના નામનો ઉલ્લેખ છે. આ અગાઉ 4 નવેમ્બરના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
અનેક ઉમેદવારોને કરાયા છે રિપિટ
કોંગ્રેસે બીજી ઉમેદવારી લિસ્ટમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે 29 સીટો જાહેર કરી છે. જેમાંથી 17 એમએલએને રિપિટ કરાયા છે. દસાડાના નૌશાદ સોલંકી, ટંકારાના લલિત કથગરા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાના અમરિષ ડેર સહિતના ઉમેદવારોને રિપિટ કરાયા છે.