ગઈકાલે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. 39 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવી છે. જે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી ગુજરાતની એક પણ બેઠક માટે નામ નથી જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા સમજી વિચારીને ઉમેદવારના નામોને જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીને લઈ કોંગ્રેસ ગંભીર છે તે વાત ઉમેદવારોના નામ પરથી લાગી રહ્યું છે. સમજી વિચારીને , જાતિગત ગણતરી કરીને લોકસભા સીટ માટે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા.
વાયનાડથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી
પહેલી યાદીમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, ભૂપેશ બાઘેલના નામનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ અને મેઘાલયના કેટલાક ઉમેદવારોના નામ છે. એવું લાગતું હતું કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં બે મોટા નામ હતા - કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધી અને છત્તીસગઢની રાજનાદગાંવ સીટથી રાજ્યના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે પરંતુ ગયા વર્ષે રાહુલ ગાંધીએ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રાહુલે 2019માં વાયનાડથી ચૂંટણી પણ લડી હતી અને જીત પણ મેળવી હતી. એ જ વર્ષે રાહુલ તેમના જૂના ગઢ માનવામાં આવતા અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા હતા.
ગઈકાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોના નામની જાહેરાત
લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. સંભાવના છે કે 13 કે 14 માર્ચ બાદ ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરે અને તારીખો અંગેની ઘોષણા કરી શકે છે. જેવી રીતે ચૂંટણીની તારીખોની ઈન્તેઝારી છે તેવી રીતે ઉમેદવારોના નામનો પણ મતદાતાઓમાં ઉત્સાહ છે. ગયા શનિવારે ભાજપ દ્વારા 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આવી હતી જેમાં 39 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતની એક પણ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી છે તો શશી થરૂરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂપેશ બાઘેલના નામનો પણ સમાવેશ પ્રથમ યાદીમાં કરાયો છે. વાયનાડથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડશે, શશી થરૂર તિરૂવનંતપુરમથી તો ભૂપેશ બાઘેલ રાજનંદગાવથી ચૂંટણી લડશે.
ભાજપે તો ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની કરી જાહેરાત
કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે નામો છે એમાં મુખ્યત્વે એવા ચહેરા છે જેને ગુજરાતની જનતા નહીં ઓળખતી હોય. સાઉથની બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 39 બેઠકોમાંથી 24 બેઠકો પર એસટી, એસસી અને ઓબીસી ઉમેદવારોને સીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો હમણાં ઉમેદવારોના નામની ઘોષણા કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો ક્યારના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામની જાહેરાત અમુક બેઠકો માટે કરી દીધી હતી.
બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે શરૂ કરી દીધો ચૂંટણીને લઈ પ્રચાર!
ગુજરાતના બનાસકાંઠામાં ભલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાની રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે તેવું લાગે છે. જો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવશે તો બનાસકાંઠા લોકસભા બેઠક પર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર થવાની છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતમાંથી કોંગ્રેસ કોને ટિકીટ આપે છે. કારણ કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે.