ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત આ અંગે રજૂઆત કરવા ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારો સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તે લોકો આતંકવાદીઓ હોય. કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો શિક્ષણ સચિવને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર નિંદનિય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતના વર્તન થયું તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી છે.
શિક્ષણ સચિવ સાથે વાત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો
ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવિ શિક્ષકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી છે.
આપ અને કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનની કરી નિંદા
ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ નિંદનીય છે. ગુજરાત ભાજર સરકાર યુવાનોનો અવાજ સાંભળવાને બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી છે! યુવાનોની ધીરજ તૂટે તે પહેલા સરકારે નિંદ્રામાંથી જાગીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું જેમાં લખવામાં આવ્યું કે ભાજપ સરકારનું રાજ છે એટલે તાનાશાહી અપાર છે. ભાજપનો કે ભાજપની યોજનાનો વિરોધ કરશો તો આવો અત્યાચાર સહન કરવો પડશે. મહત્વનું છે કે જમાવટની ટીમ જ્યારે ગાંધીનગર પહોંચી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી.