કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવાર રાત્રે હુમલો થયો હતો. ખેરગામમાં તેમની પર હુમલો થયા બાદ રાજકારણ ગરમાયું છે. હુમલાને કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આદિવાસી સમાજને દબાવવાનો કરાયો પ્રયાસ - કોંગ્રેસ
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. અમારા સાથી અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો સમગ્ર આદિવાસી સમાજને દબાવવા માટે કરવામાં આવ્યો છે. ભાજપની દેખરેખ હેઠળ આ હુમલો થયો છે. અનંત પટેલ પર પ્રથમ વખત હુમલો નથી થયો, આવા હુમલાઓ વારંવાર થાય છે.
72 કલાકનું સરકારને આપ્યું અલ્ટિમેટમ - કોંગ્રેસ
સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં રસ્તાઓ પર આદિવાસી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. જો આ અંગે તાત્કાલિક પગલા નહીં લેવાય તો અમિત શાહના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. અમે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.