રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા રહે છે પણ હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડા સામે આવી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હોબાળો મચ્યો છે.
પેપર સોશિયલ મીડિયામાં વાયરલ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હંગામો મચી ગયો છે. આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાયરલ પેપરની કોપી મુકીને પેપરલીક થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહનો દાવો છે કે આ કોમ્પ્યુટરનું પેપર અમરેલીના સાવરકુંડલા પરીક્ષા સેન્ટર પરથી લીક થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર કેમ લીક થયું તેને લઈ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વહેતું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. આ પેપર સોશિયલ મીડિયામાં વહેતુ કરનાર દોષિત સામે કાનૂની પગલાં ભરવાની માગ ઉઠી છે.