ગુજરાતમાં સમાન્ય લોકોની સાથે થઈ રહેલા અત્યાચારો સામે સતત અવાજ ઉઠાવતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે ફરિયાદ નોંધાઈ છે. તુષાર બસિયા સામે 354, પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાતીઓના હક અને સલામતી માટે લડતા આ પત્રકાર પર ફરિયાદ નોંધાતા રાજ્યના પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે.

શા માટે નોંધાઈ ફરિયાદ?
સુરતમાં જાહેરમાં વિદ્યાર્થિનીઓ, યુવતીઓ કે મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક શ્રમિકે તેની સાથે અડપલાં કર્યા હતાં. જે-તે સમયે પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી હતી, પણ તે શખ્સ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી, આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જો કે આ મામલો પત્રકાર તુષાર બસિયાના ધ્યાન પર આવતા તેમણે સિંગણપોર પોલીસ સ્ટેશન PSI રાઠોડનો સંપર્ક કર્યો હતો. PI રાઠોડે આ મામલે કહ્યું કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી તેમ કહીંને સમગ્ર પ્રકરણનો વીંટો વાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પત્રકાર તુષાર બસિયાએ વિગતવાર સ્ટોરી કરતા સુરત પોલીસના પેટમાં તેલ રેડાયું હતું. સત્ય ઉજાગર કરવાની સજા આપવા માટે તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેવી ચર્ચા મિડીયા જગતમાં થઈ રહી છે. જો કે આ સમગ્ર મામલે અગ્રણી પત્રકાર અને નવજીવન ન્યૂઝના કર્તાહર્તા પ્રશાંત દયાળે છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.