કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી વિરૂદ્ધ જે મહિલાએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તે તેમની પર્સનલ આસીસ્ટન્ટ છે. પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરી રહેલી યુવતી મૂળ બલ્ગેરિયાની છે. આ અંગેની ફરિયાદ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ ગયો હોય તેવી માહિતી સામે આવી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી ૪થી ડિસેમ્બરથી હાથ ધરવામાં આવશે.
અરજદારે શું કરી છે અરજી?
જે અરજી કરવામાં આવી છે તેમાં એવી અરજ કરવામાં આવી છે કે કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી સાથે તેને બહાર પણ જવું પડતું હતું. વર્ષ 2022માં તે કેડીલા ફાર્મમાં કંપનીના સીએમડીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અરજદારની સાથે ખરાબ રીતે વર્તન કરતા હતા.
અંતે અરજદારે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
અરજદારે પોતાની ફરીયાદ દાખલ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અનેક વખત આ મામલે તેમણે રજૂઆત કરવા માગી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેની પણ સૌની નજર છે.