ગુજરાતી પત્રકારત્વ અને સાહિત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા વજેસિંહ પારઘીની ચિરવિદાયનો શોક હજુ તાજો જ હતો ત્યા જાણીતા ફિલ્મી અને ટેલીવિઝન કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે અંતિમ શ્વાસ લેતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જાણીતા કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે આખરી શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. હસમુખભાઈ ઠક્કર એટલે કે સલિલ દલાલે ચિરવિદાય લેતા અનેક લોકોએ તેમના યોગદાનને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ફિલ્મો અંગેનું તેમનું લેખન માત્ર રંજનલક્ષી નહોતું તે તેમની વિશેષતા હતી. ફિલ્મનું લેખન એટલે નર્યું મનોરંજન, ગોસિપ, ઉપરછલ્લું અને સપાટી પરનું આલેખન તેવી માન્યતાને દુર કરીને તેમણે તેને ગરિમા આપી હતી. આ બધાથી તેઓ ઉપર ઉઠ્યા હતા. બહોળો વાચક વર્ગ ધરાવતા સલીલ દલાલ મધ્ય ગુજરાતના વતની હતા. તેમણે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઇને 2008માં કેનેડા જઇને વસવાટ કર્યો હતો. તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મી જગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા. ત્યારબાદ પણ તેઓ આ કૉલમ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. હજી તો હમણાં તેમણે પોતાની સંદેશમાં દર રવિવારે પ્રકાશિત થતી ફિલમ ફિલમ કૉલમમાં લખ્યું હતું કે કેન્સરનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને લાંબુ ખેંચાય તેમ લાગતું નથી તેથી આ કોલમ બંધ કરું છું. તેવી તેમણે જાહેરાત કરી હતી.
સારા વાચક એવા સલીલ દલાલે લખ્યા હતા આ પુસ્તકો
સલિલ દલાલ ખુબ જ સારા વાચક અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા તેમણે કેટલા અદભુત પુસ્તકો પણ લખ્યા છે. સરસ વિષયો સાથે લખાયેલા આ રસપ્રદ પુસ્તકોમાં ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’, ‘અધુરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’, ‘ગાતા રહે મેરા દિલ’ જેવી જાણીતી નવલકથાઓ લખી હતી. ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’નું પુસ્તકમાં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, કિશોરકુમાર, સંજીવકુમાર એમ પાંચ ફિલ્મના કલાકારોના જીવન, ફિલ્મી કારકિર્દી, સફળતાઓનું રહસ્યનું અનોખી શૈલીમાં આલેખન કર્યું છે. હિન્દી ફિલ્મોના અમર ગીતકારો, શાયરો વિશે ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક તૈયાર કર્યું હતું, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલીલ દલાલની રસપ્રદ શૈલીમાં લખાયેલી કોલમનો એક વિશાળ વાચક વર્ગ હતો.