રાજ્યમાં કાતિલ ઠંડીથી ત્રાસી ગયા છો તો તમારા માટે માઠા સમાચાર છે. ગુજરાત હવામાન વિભાગે કડકડતી ઠંડીને લઈ આગાહી કરી છે કે નવા વર્ષની શરુઆતથી જ હાંડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં હાંડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. આજે અમદાવાદમાં સૂસવાટા બોલાવતો પવન ફુંકાયો હતો અને પારો ગગડ્યો હતો.
8.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર
રાજ્યમાં આજે 8.1 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.
ગરમ કપડાનું વેચાણ વધ્યું
રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. આ સાથે જ ઠંડીથી રક્ષણ આપતા ઉનના ગરમ વસ્ત્રોનું વેચાણ વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓ માટે કાતિલ ઠંડી આશિર્વાદરૂપ બની છે.