રાજ્યમાં હાંડ થિજાવતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હવામાન વિભાગે લોકોની ચિંતા વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે.
નલિયા 1.2 ડિગ્રી સાથે ઠંડુંગાર
ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં 1.2 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. કચ્છમાં તો કોલ્ડવેવની પણ શક્યતા છે. અબડાસા-નખત્રાણા વિસ્તારમાં બરફની ચાદર પથરાઇ હતી. બનાસકાંઠાના લાખણીમાં તો ઠંડીના કારણે બરફનું પાતળું સ્તર જામી ગયું હતું. અમદાવાદમાં 10 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા.
માઉન્ટ આબુમાં ઠંડીનો 28 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
માઉન્ટ આબુમાં ઠંડીનો રેકોર્ડ તુટ્યો છે,આ પહેલાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું. વરસાદી નાળા, વાસણોમાં પણ બરફ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારાં 4 દિવસો સુધી કકડતી ઠંડી વરસવાની છે. ન્યૂનતમ તાપમાન માઈનસ પર સ્થિર રહેશે. 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્દ્ર જયપુરનાં નિર્દેશકે જણાવ્યું છે કે રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.