રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ગતિએ શિયાળો ગુજરાતમાં દસ્તક આપી રહ્યો હોય તેવું લાગે છે. પહેલા વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હતો. બપોરના સમયે તાપમાન પણ વધારે નોંધાતું હતું. ત્યારે હવે બપોરના સમયે પણ ઓછી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. આ સાથે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના લાગે.
નવરાત્રીમાં વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ તે ખોટી સાબિત થઈ!
ચોમાસાએ સત્તાવાર રીતે તો ગુજરાતમાંથી ઘણા સમય પહેલા વિદાય લઈ લીધી હતી. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાતો, તેવી આગાહી અનેક વખત સાંભળી હશે. તે બાદ ચક્રવાતની આગાહી કરવામાં આવી. અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાત આવવાની ભીંતિ સેવાતી હોય છે. થોડા સમય પહેલા એવું મનાતું હતું કે ચક્રવાત 'તેજ' ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. જો ચક્રવાત તેજ ગુજરાતમાં ટકરાશે તો બિપોરજોય જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ ચક્રવાત તેજ ગુજરાતમાં ન આવ્યું. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી પરંતુ તેમની આગાહી ખોટી પડી. માત્ર કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હોય તેવી માહિતી સામે આવી હતી.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ગુજરાતના અનેક ભાગોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ડીસામાં 20.8, નલિયામાં 20.2, ગાંધીનગરમાં 18.4, સુરતમાં 21.7, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલસાડમાં 18 ડિગ્રી, રાજકોટમાં 21.6 ડિગ્રી, કેશોદમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય પણ ગુજરાતના અનેક ભાગોમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ આગાહી કરી છે. કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રમાણે નવેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહી શકે છે.પરંતુ ધીરે ધીરે શિયાળો કાતિલ બની જશે. તેમના પ્રમાણે આગામી દિવસોમાં ચક્રવાત આવવાની સંભાવના પણ છે. ભારતના અનેક રાજ્યો પર આ ચક્રવાતની અસર જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?
અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે. 05 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું તેમજ આશિક ભેજવાળું રહે તેવી શક્યતા છે, તા. 07 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેજનું અને વાદળામાં વધારો થાય તેવી શક્યતા છે, એકલ દોકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.