CNG ગેસના વેચાણમાં કમિશનના વધારાની માગ સાથે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળ કરશે. CNG પંપ માલિકોના એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ પર ગેસ વિતરણનું કામ બંધ રહેશે. CNG પંપ માલિકોના એસોસિએશન તેવી પણ જાહેરાત કરી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી 16મી ફેબ્રુઆરીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવો CNG ડીલર્સ એસોસિએશને ઓઇલ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે.
CNG વાહન ચાલકોને હાલાકી
દક્ષિણ ગુજરાતમાં એક સાથે 400 જેટલા CNG પંપ માલિકોની હડતાળની જાહેરાતે ચિંતા વધારી છે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે તો CNG વાહન ચાલકો જેવા કે રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની પણ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે.