દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે રિક્ષા ચાલકોને ભેટ આપી છે. જે અંતર્ગત રિક્ષા ચાલકો આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે છે. પહેલા રિક્ષા ચાલકોને પોતાના જિલ્લામાં તેમજ પોતાના શહેરમાં જ રિક્ષા ફેરવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે હવેથી ગુજરાતમાં CNG, પેટ્રોલ તેમજ ઈ-રિક્ષા ગમે સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. પરંતુ આ પરિપત્રનો અમલ ડિઝલથી ચાલતી રિક્ષાઓ પર નહીં થાય.
એક્સપ્રેસ વે સિવાય તમામ રસ્તાઓ ખુલ્યા રિક્ષા ચાલકો માટે
ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. બીજા રાજ્યોના મોડલ બતાવી ગુજરાત મોડલ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રિક્ષા ચાલકોને ભેટ આપી છે. અત્યાર સુધી રિક્ષા ચાલકોને જે-તે જિલ્લા પૂરતી જ પરમિટ આપવામાં આવી હતી. જો બીજા જિલ્લામાં જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોટર વેહિકલ એક્ટની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રિક્ષા ચાલકો એક્સપ્રેસ સિવાયના તમામ માર્ગો પર રિક્ષા ચલાવી શક્શે.