રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની સાદગીના અનેક નેતાઓ વખાણ કરતા પણ દેખાયા છે. ત્યારે સીએમની સાદગીના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ લખાણ સાથે પીએમ મોદીએ બીજેપી ગુજરાત દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દીકરાને સારવાર માટે મુંબઈ લઈ ગયા તે સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું છે.
એર એમ્બ્યુલન્સનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂકવ્યું ભાડુ!
થોડા સમય પહેલા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એર એમ્બ્યુલન્સનું ભાડુ સીએમે ચૂકવ્યું છે. સાથે જ તેઓ ચારથી પાંચ વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા છે. ત્યારે આ વાતના વખાણ પીએમ મોદીએ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ!
મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો સરકારી પૈસે અનેક સુવિધાનો લાભ ઉઠાવતા હોય છે. સરકારી પૈસે અનેક યાત્રાઓ કરતા દેખાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેસાડવામાં આવેલો દાખલો અન્ય માટે પ્રેરણારૂપ બને તેવા ભાવ સાથે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.