રાજ્યના મુખ્યમંત્રીના અંગત વાહનોના કાફલામાં હવે નવીનક્કોર ગાડીઓનો ઉમેરો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલની સરકારે તેમના અંગત પ્રવાસ માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદી છે. ભૂપેન્દ્ર પટેલે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓને બદલીને હવે ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદવા પાછળ લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
બુલેટપ્રૂફ, GPS ટેકનોલોજીથી સુસજ્જ
CM ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં સાથે એક જ રંગની ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. આ ગાડીના ડેશબોર્ડ પર CM ભૂપેન્દ્ર પટેલના આસ્થાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ગાડીઓના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા સહિતની ટેકનોલોજીથી સુસજ્જ છે.
પૂર્વ CM મોદીએ ખરીદી હતી સ્વદેશી સ્કોર્પિયો
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વખતે તેમણે મુખ્યમંત્રીના કાફલા માટે ઉપયોગમાં લેવાતી જુની કોન્ટેસા કારોને તિંલાંજલિ આપી હતી. પૂર્વ સીએમ મોદીએ સુરક્ષાના કારણોથી મહેન્દ્રા કંપનીની મજબુત સ્કોર્પિયો પર પસંદગી ઉતારી હતી. ત્યાર બાદના તમામ મુખ્યમંત્રીઓ જેવા કે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો.