ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, સિંગાપોર, અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યા છે જેના કારણે ભારત સરકાર પણ ચિંતિત છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોરોના સંક્રમણથી સતર્ક રહેવાની અપીલ કરી હતી. કોરોના સંક્રમણ મુદ્દે મનસુખ માંડવિયા આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને તકેદારી રાખીને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે શું અપીલ કરી?
અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે લોકોને કહ્યું હતું કે, અહીં તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા તે સારી બાબત છે. તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું પડશે. હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. એવામાં આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો સાવચેતી રાખીશું તો સારું રહેશે, મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. મેળાવડા હોય ત્યાં માસ્ક પહેરીને જવું જોઈએ.
આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક
કોરોના સંક્રમણને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં કોરનાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર થઈ નથી તેથી કડક નિયમો લાગુ કરવાની હાલ કોઈ વાત નથી. હાલ લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે વર્તન કરે તે યોગ્ય છે. સરકાર કેન્દ્રની ગાઈડલાઈન્સથી આગળ વધશે.