અમેરિકા જવાની લાયમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ જીવલેણ બની રહ્યો છે. ડિંગુચા ગામનો પટેલ પરિવાર વિખેરાયો તે ઘટનાની યાદ હજુ તાજી જ છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના 4 લોકોનાં મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવાર જે બોટમાં બેસીને જઈ રહ્યો રહ્યો હતો તે બોટ ઘણી નાની હતી અને ભારે વરસાદ અને તેજ પવનને કારણે બોટ નદીમાં પલટી ગઈ હોય તેવી આશંકા છે.
અમેરિકામાં ઘૂસણખોરી કરતા મોત મળ્યું
પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે કેનેડા ફરવા ગયા હતા. જ્યાં ગેરકાયદેસર બોટમાં બેસી અન્ય એક પરિવાર સાથે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે તેમની બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યા હતાં. મહેસાણા જિલ્લાના ચૌધરી પરિવારના કુલ 4 લોકો પાણીમાં ડૂબી જવાના આ સમાચાર વાયુવેગે ફેલાતા આખુ ગામ શોકમગ્ન બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખેતીનો વ્યવસાય કરતા 50 વર્ષીય ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ તેમની પત્ની દક્ષાબેન ઉંમર 45, તેમજ પુત્રી વિધિબેન ઉંમર 23, અને પુત્ર મિત, (ઉંમર 20) સાથે બે મહિના અગાઉ કેનેડા ગયા હતા.
જીવના જોખમે પણ USAમાં ઘુસણખોરી
અમેરિકામાં ગેરકાયદે ઘુશણખોરી સતત વધી રહી છે, વિવિધ દેશોના નાગરિકો મેકિ્સકો અને કેનેડાનાથી જીવના જોખમે ઘુશપેઠ કરે છે. તેમાં પણ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર માનવ તસ્કરોમાં હોટ ફેવરીટ છે. આ સરહદ નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ મારફતે ઘુશણખોરી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકામાં જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં આઠ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે.