ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે આજો ફરી ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. રાજ્ય સરકારે રજુ કરેલા સોગંદનામાને હાઈકોર્ટે વાહિયાત જ નહીં પણ, અવિશ્વાસકારક કહ્યું હતું. ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને નવેસરથી સોગંદનામુ કરવા કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ એમ પણ નોંધ્યું કે, રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના મુદ્દાની અમલવારીને હળવાશમાં લઈ રહી છે, જે ચલાવી લેવાશે નહીં.
જાહેરનામું વાહિયાત
ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં એમ પણ નોંધ્યું કે, લોક જાગૃતિ ફેલાવવા માટેના જરૂરી પગલાંની અમલવારી બાબતે પણ રાજ્ય સરકારનું સોગંદનામું કોઈ વિગતો દર્શાવતું નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, માત્ર અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામા પર મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી અને જ્યારે કોર્ટે સરકારને સ્પષ્ટપણે સરકારનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાંય સરકારનું સોગંદનામુ તે બાબતે મૌન છે.
કાલે થશે સુનાવણી
ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દાની સુનાવણી 7 જાન્યુઆરીના રોજ શનિવારના દિવસે નિર્ધારીત કરી છે. બીજી બાજુ અરજદાર તરફથી પણ અમુક સૂચનો રજૂ કરવામાં આવ્યા જે દિશામાં જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે તેવી અરજદારે રજૂઆત કરી. ત્યારે શનિવાર સુધીમાં સરકારે પોતાનું સુગંધનામું નવેસરથી રજૂ કરવાનું છે. હવે જોવાનું એ છે કે કાલે હાઈકોર્ટના શું નિર્દેશો આપે છે.