અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા લગભગ 2.2 થી 2.3 બિલિયન ડોલર (આશરે 18 હજાર કરોડ રૂપિયા)ના ફેડરલ ફંડને અટકાવી દીધું છે. આ નિર્ણય હાર્વર્ડે યુનિવર્સીટીએ જયારે ટ્રમ્પ પ્રશાસનની અનેક માંગણીઓને નકારી દીધી હતી તે પછી લીધો છે. ટ્રમ્પ સરકારની માંગણી હતી કે હાવર્ડ યુનિવર્સિટીના પાઠ્યક્રમો, નિયુક્તિઓ, વિવિધતા-સમાનતાના સમાવેશ કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નિયમોની દેખરેખમાં ફેરફાર કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાસને આ માંગણીઓ યહૂદી-વિરોધી (antisemitism) પ્રવૃત્તિઓ અને કેમ્પસમાં ઇસ્લામિક કટ્ટરપંથના આરોપોના સંદર્ભમાં કરી હતી, જેને હાર્વર્ડે ગેરકાયદેસર અને શૈક્ષણિક સ્વતંત્રતા પર ટ્રમ્પ સરકાર દ્વારા સીધો હુમલો ગણાવ્યો છે. ટ્રમ્પ સરકારે હાવર્ડ યુનિવર્સીટીના તંત્ર પાસે નિયમિત ઓડિટ અને કેટલાક વિદ્યાર્થી ક્લબો પર રોક લગાવવાની માંગ કરી હતી. હાર્વર્ડના પ્રોફેસરો અને અમેરિકન એસોસિએશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સે આ નિર્ણય સામે મેસેચ્યુસેટ્સની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ ઘટનાને અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓ પર ટ્રમ્પ પ્રશાસનના રાજકીય દબાણના પ્રયાસ તરીકે જોવામાં આવે છે, અને હાર્વર્ડનો આ પ્રતિકાર ટ્રમ્પની નીતિઓ સામે પ્રથમ મોટો પડકાર માનવામાં આવે છે. આ ઉપરાંત, બ્રાઉન યુનિવર્સિટી જેવી અન્ય સંસ્થાઓ પણ સમાન ફંડિંગ રોકનો સામનો કરી રહી છે. આ અગાઉ ટ્રમ્પ સરકારે કોલંબિયા યુનિવર્સીટી સાથે આવી જ માંગણીઓ કરી હતી . તેમની પર પણ આ રીતે ફેડરલ સરકાર દ્વારા ફંડ રોકવાનો ખતરો તોળાતો હતો. પરંતુ કોલંબિયા યુનિવર્સીટીએ સરકારની બધી જ વાત માની લીધી હતી.
વાત કરીએ આપણા પાડોશી દેશ ચાઈનાની તો , ચાઇનાએ તેની તમામ એરલાઇન્સને આદેશ આપી દીધો છે કે , અમેરિકાની બોઇંગ સંસ્થાના જેટ એટલેકે વિમાન વાપરવા નહિ . કેમ કે અમેરિકાએ ચાઈના પર ૧૪૫ ટકા જેટલો ટેરિફ લગાડી દીધો છે. જેવો જ ચાઈનાની સરકારે આ આદેશ કર્યો કે તરત જ બોઇંગ કંપનીના શેરોમાં ખુબ મોટો કડાકો જોવા મળ્યો હતો . અમેરિકાની બોઇંગ કંપનીની સીધી સ્પર્ધા યુરોપની વિમાન બનાવતી કંપની એરબસ સાથે છે. ચાઈનામાં બોઇંગ એરબસ સાથે સીધી સ્પર્ધામાં છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ" બાદ વૈશ્વિક વિમાન બનાવતી કંપનીઓ પર ખૂબ મોટા પાયે નુકશાનનો ખતરો તોળાઈ રહ્યો છે. ચાઈનાએ બોઇંગના વિમાન લેવા પર પ્રતિબંધ ત્યારે મુક્યો છે જયારે ચાઇનાની સૌથી મોટી ત્રણ એરલાઇન્સ એર ચાઈના , ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ , ચાઇના સધર્ન એરલાઇન્સ ક્રમશઃ ૪૫ , ૫૩ અને ૮૧ બોઇંગ કંપનીના જહાજો ૨૦૨૫થી ૨૦૨૭ સુધી બોઇંગ વિમાનોની ડિલિવર લેવાની હતી . ચાઇનાએ તેની એરલાઇન્સને અમેરિકાની કંપનીઓ પાસેથી સ્પેરપાર્ટ્સ લેવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. જોકે તેનાથી હવે ચાઈનામાં વિમાનનું મેન્ટેનન્સ મોંઘુ થવાની સંભાવના છે. વાત કરીએ અમેરિકાની કંપની બોઇંગની તો , આ કંપની અગાઉથી તેના ત્યાં કામદારોની હડતાલનો સામનો કરી રહી છે.
વાત પશ્ચિમ એશિયાની તો , સૌથી મોટા અખાતી દેશ સાઉદી અરેબિયાએ ડિસેમ્બર ૨૦૨૪માં સીરિયામાં બનેલી નવી સરકારનું સંપૂર્ણ દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. સીરિયાને વર્લ્ડ બેન્ક પાસે ૧૫ મિલિયન ડોલરનું દેવું છે. જો આ ચૂકતે થાય તો જ સીરિયાને નવી સહાય મળી શકે છે. તેના કારણે હવે અમેરિકા નારાજ થયું છે. સિરિયાને તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે સીરિયાએ બધું જ નવેસરથી કરવું નઈ પડે. સિરિયાની આ નવી સરકાર સાથે પશ્ચિમ એશિયાના બીજા ઘણા દેશોની સરકાર કામ કરવા તૈયાર થઇ છે. જેમ કે , કતાર સીરિયાને જોર્ડન થકી ગેસ આપશે સાથે જ કતાર ત્યાંના સરકારી કર્મચારીઓને પગાર પણ આપશે. વાત અમેરિકાની , અમેરિકા આ નવી સિરિયન સરકાર પસંદ નથી માટે જ અમેરિકા દ્વારા સિરિયાની જે જૂની બશર અલ અસદ સરકાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતા તે હજુ પણ યથાવત છે. જોકે હવે થોડાક સમયની અંદર સિરિયાની નવી સરકારના પ્રતિનિધિઓ અમેરિકામાં વર્લ્ડ બેક અને IMF એટલેકે , ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની મુલાકાતે જવાના છે. વાત સિરિયાની તો , ડિસેમ્બર ૨૦૨૪માં HTS એટલકે , હયાત તેહરીર અલ શામના નેતૃત્વમાં બળવો થતા લગભગ ૫૦ વર્ષ પછી અસદ વંશના શાસનનો અંત આવ્યો હતો . તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ સીરિયા છોડી રશિયા ભાગી ગયા હતા. ઉપરાંત નવા રાષ્ટ્રપ્રમુખ અહમદ અલ શરા બન્યા છે. પણ તેઓ સુન્ની કટરપંથી કહેવાય છે. તેનાથી સીરિયાના ઘણા લઘુમતી સમાજોમાં ભયનો માહોલ છે.