ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS) અનુસાર, દેશનો વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે, જે 2022માં 5.5 ટકાના સત્તાવાર લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 1976 પછી સૌથી નબળો હતો. જો ચીનની અર્થવ્યવસ્થા આ રીતે ઘટતી રહેશે તો આર્થિક મંદી આવવાનું નિશ્ચિત છે અને આ મંદી માત્ર ચીનને જ નહીં, પરંતુ વિશ્વના 70થી વધુ દેશો તેનાથી પ્રભાવિત થશે. ચાલો વાંચીએ આવું કેમ થશે?
50 વર્ષમાં બીજી સૌથી ધીમી ગતિ
ગયા વર્ષે કોરોના રોગચાળાનો સામનો કરવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીને કારણે 2022માં ચીનનો આર્થિક વિકાસ દર ત્રણ ટકા પર આવી ગયો છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 50 વર્ષમાં આ બીજો સૌથી ધીમો વિકાસ દર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2022માં ચીનનો જીડીપી 1,21,020 બિલિયન યુઆન અથવા 17,940 અબજ ડોલર હતો.
વિશ્વના 70થી વધુ દેશો પર થશે અસર?
ચીન દુનિયાના 70થી વધુ દેશો સાથે વેપાર કરે છે. ચીન એશિયન દેશો સાથે તેમજ યુરોપના ઘણા દેશો સાથે આયાત અને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીનમાં મંદી આવશે તો આ તમામ દેશો પણ તેની ઝપેટમાં આવી જશે. ચીન પર નિર્ભર દેશોને સૌથી વધુ નુકસાન થશે. સૌથી ખરાબ સ્થિતિ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં થશે.
ભારતને પણ ફટકો પડશે
ચીનની મંદી ભારત માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે અમેરિકા પછી ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021-22માં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર 115.83 અબજ ડોલરનો હતો, જે ભારતના કુલ 1,035 અબજ ડોલરના વેપારના 11.2 ટકા છે.