ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ હોવા અનિવાર્ય, 3 વર્ષથી નાના બાળકને પ્રી- સ્કૂલમાં મૂકવું ગેરકાયદે: ગુજરાત HC


  • Published By :
  • Published Date : 2023-09-06 15:12:49

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા 6 વર્ષ પૂરા ન થતાં હોય તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવાને ગેરકાયદે જાહેર કર્યું છે.ધોરણ 1માં પ્રવેશ માટે છ વર્ષની વયમર્યાદાની જોગવાઇને પડકારતી અરજી ફગાવતાં ચુકાદામાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે એવી ગંભીર નોંધ લીધી છે કે, ‘ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રિ-સ્કૂલમાં ધકેલીને માતા-પિતા ગેરકાયદેસર કૃત્ય કરે છે. પ્રસ્તુત કેસમાં પણ એવા અરજદારો(માતા-પિતા) છે કે જેમણે પોતાના ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલ્યા હતા. આવા વાલીઓ કોર્ટ પાસેથી કોઇ પણ પ્રકારની રાહતની અપેક્ષા રાખી શકે નહીં. કેમ કે, તેઓ રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાની જોગવાઇઓનો જાતે જ ભંગ કરી રહ્યા છે. કાયદા મુજબ પ્રિ-સ્કૂલમાં એવા કોઇ પણ બાળકને પ્રવેશ ન મળી શકે, જેણે વર્ષની 1લી જૂનના રોજ ત્રણ વર્ષની ઉંમર પૂર્ણ ન કરી હોય.’ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ (New Education Policy) મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરવા જરૂરી છે.


શું કહ્યું ગુજરાત હાઈકોર્ટે?


ધો-1માં પ્રવેશ માટેની છ વર્ષની વયમર્યાદાની જોગવાઇઓને પડકારતી 50થી વધુ અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે ગત મહિને રદ કરી હતી. જેમાં ચુકાદો આપતાં નોંધ્યું છે કે,‘ધોરણ-1માં પ્રેવશ માટેની છ વર્ષની વયમર્યાદા વાજબી છે અને રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાના આશયને પોષે છે. જેના અંતર્ગત પણ યોગ્ય વયે જ બાળકોને શિક્ષણ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નિતિ પ્રમાણે પણ છ વર્ષની નાની વયના બાળકો ‘સ્કૂલ’ માટે ‘રેડી’ નથી. કેમ કે, કુમળી વયના વર્ષો પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસના વર્ષો હોય છે.’ ખંડપીઠે એમ પણ નોંધ્યું છે કે,‘એક વ્યક્તિને પડનારી સંભવિત હાડમારીનું પરિણામ બંધારણના અનુચ્છેદ 14નું ભંગ કરતી હોવાનું કહી શકાય નહીં. તેને મનસ્વી કે ગેરવાજબી પણ કહી શકાય નહીં. ઉક્ત કારણોસર આ રિટ પિટિશન મેરિટ વિનાની જણાય છે અને તમામ અરજીઓ રદબાતલ કરવામાં આવે છે.’


બાળકની ઉંમર  6 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય


કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો અમલ ધીરે ધીરે દરેક રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર  6 વર્ષ પૂર્ણ થઇ હોવી ફરજીયાત છે. જો કે હાલમાં વાલીઓ બાળકો ત્રણ વર્ષ કે તેનાથી નાના હોય ત્યારે જ તેને પ્રિ-સ્કૂલમાં મુકી દેતા હોય છે. જો કે હવે 6 વર્ષ પછી જ ધોરણ 1માં પ્રવેશ શરુ થયો છે, ત્યારે રાજ્યના 3 લાખથી વધુ બાળકો એવા છે કે જેમણે 5 વર્ષની ઉંમરમાં જ પ્રિ-સ્કૂલનું શિક્ષણ પતાવી દીધુ છે. જો કે તેઓ નવી શિક્ષણ નીતિ પ્રમાણે સત્તાવાર રીતે હજુ ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે નહીં.


3 વર્ષથી નાના બાળકોને પ્રી- સ્કૂલમાં મૂકવું ગેરકાયદેસર 


6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોના વાલીઓએ એકત્ર થઇને ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતી અરજી કરી હતી. સમયાંતરે તેના પર વિવિધ દલીલો કરવામાં આવી હતી. જેમાં દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમાં નોંધવામાં આવ્યુ છે કે ત્રણ વર્ષ કે તેનાથી ઓછી વય હોય તો તેવા બાળકોને પ્રી- સ્કૂલમાં મૂકવું ગેરકાયદેસર છે. એટલે કે 6 વર્ષ પૂરા ન થતાં હોય અને ધોરણ 1 માં પ્રવેશની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી છે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ બાળકોને ફરીથી KG માં અભ્યાસ કરવો પડશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?


આ સમગ્ર મામલે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે,‘અમે 3 વર્ષનો ગ્રેસ પિરિયડ આપ્યો જ છે અને એ અંગે તમામને જાણ જ છે. જો હવે અમે અરજદારોની અરજીને ધ્યાને લઇએ તો એ નિયમોના ભંગ સમાન ગણાશે. સમગ્ર દેશમાં ધો-1માં પ્રવેશમાં એકરૂપતા જળવાય એ આશયથી કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારો તો કેન્દ્રના નિર્ણયની અમલવારી કરી રહી છે. જો રાઇટ ટુ એજ્યુકેશન કાયદાની જોગવાઇઓનો ભંગ થતો હોય તો અરજદારોએ કેન્દ્ર સરકારને આ રિટમાં પક્ષકાર તરીકે જોડવા જોઇએ, પરંતુ કેન્દ્ર સરકાર પક્ષકાર જ નથી.’ સમગ્ર મામલે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે 6 વર્ષથી નાના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે નહીં.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...