ઘરકામમાં વ્યસ્ત રહેતી માતાઓને તેમનું બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ભાન પણ રહેતું નથી અને આ જ કારણે કેટલીક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં એક બાળકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. બે વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું, તે દરમિયાન ટેમ્પો ચાલકે બાળકને ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે.
પરિવારે માસૂમ બાળક ગુમાવ્યું
સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસયટીમાં રહેતા વિક્રમ ભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ગયા હતા અને તેમની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. તેમનું બે વર્ષનું બાળક ગતરોજ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસયટીમાં રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલક સામે અચાનક બાળક આવી જતા ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના કારણે બૂમાબૂમ થતા બાળકની માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યું હતું. બાળકનું વધારે પડતું લોહી વહી જતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. આમ બાળકનું ધ્યાન ન રાખતા આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે.
પરિવારનું હૈયાફાટ રૂદન
બાળક ગંભીર રીતે ઘાયલ થયાની જાણ થતાં જ પત્નીએ વિક્રમભાઈને જાણ કરતા વિક્રમભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં બાળકના મૃત્યુના સમાચાર સંભાળી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. સમ્રગ મામલે વિક્રમભાઈએ ટેમ્પો ચાલક વિરુદ્ઘ સચિન GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.