ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. અને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવશે.
સુધારા પર છે સીએમના પુત્રની તબિયત!
અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને લઈ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી કરાઈ હતી. પરંતુ તે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરી એક વખત તેમની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટિલેટરના સપોર્ટથી તેમને હટાવી દેવામાં આવ્યા છે.
સીએમે ચૂકવ્યું હતું એર એમ્બ્યુલન્સનું ભાડુ!
મુખ્યમંત્રીના સાદગીના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. અમદાવાદથી મુંબઈ લઈ જવા સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું સીએમે ચૂકવ્યું હતું. ત્યારે આ વાતના વખાણ પીએમે કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાદગીથી લોકો પ્રેરણા લે તેવી આશા પીએમે વ્યક્ત કરી છે.