પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છ મુલાકાતે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત ચૂંટણીલક્ષી છે જ્યારે તેઓ બપોરે 2 કલાકે કંડલા એરપોર્ટ પહોંચશે. કચ્છ અને સૌરાષ્ટ્રની વિધાનસભામાં 54 બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપ માટે અતિ મહત્વની છે ત્યારે મુખ્યમંત્રી કચ્છ પ્રવાસે જાય તે સ્વાભાવિક છે. કચ્છમાં વિધાનસભાની સાત બેઠકો છે જેમાં છ બેઠકો પર ભાજપનો દબદબો છે અને એક બેઠક કોંગ્રેસના ખાતે છે.
ક્યાં હશે મુખ્યમંત્રીનો કાર્યક્રમ?
મુખ્યમંત્રી કંડલા એરપોર્ટ પરથી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. ગાંધીધામ ખાતે એનેક્સી ભવન ઉદ્ઘાટન બાદ તેઓ તેઓ અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.