મોરબીમાં ગઈકાલે સાંજે ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થયા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલ રાતથી પોતાના તમામ કાર્યક્રમો મૂકીને દુર્ઘટના મામલે અપડેટ લઈ રહ્યા છે.
મોરબી કલેક્ટર કાર્યાલયથી બહાર નીકળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુર્ઘટનાસ્થળે પહોંચી સ્થળ મુલાકાત લીધી હતી. ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. NDRF અને SDRFની રેસ્ક્યુ ટીમ કામગીરી કરી રહી છે.
આજ સવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર ઓફિસથી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા હતા અને ત્યાં તેમણે પોલીસ અધિકારીઓ અને બચાવ કામગીરી કરનાર એકમો સાથે મીટિંગ કરી હતી.
ગઈકાલે રાત્રે મોરબી દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા અને મોરબી પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિતિ રચવા મામલે જાહેરાત કરી દીધી હતી. આજે સવારે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું ત્યાર બાદ તેઓ સ્વયં ગૃહ રાજ્ય મંત્રી સાથે રેસ્ક્યુ બોટ મારફત મચ્છુ નદીમાં NDRF દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશન સ્થળે પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ રેસ્ક્યુ ટીમના વડા સાથે વાતચીત કરીને વધુ વિગતો મેળવી હતી.