થોડા સમય પહેલા છોટાઉદેપુરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં ચાલુ પિકઅપ વાનમાં દીકરીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવતા 6થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી હતી. વાનમાંથી છલાંગ લગાવવામાં આવતા દીકરીઓને ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યારે સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીની મુલાકાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પૂરા ગુજરાતમાં ઘણાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. એમના માટે બસની વ્યવસ્થા કરવા સરકારે વિચારણા કરી છે.
ચાલુ ગાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો કરાયો હતો પ્રયત્ન
ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા તે જોતા વાત કદાચ ખોટી સાબિત થાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓની, દીકરીઓની છેડતી કરવામાં આવતી હોય છે. કોઈને કોઈ સ્ત્રી હવસનો શિકાર બનતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા છોટાઉદેપુરમાં શાળાએથી પરત ફરી રહેલી વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્ચો અને એ પણ ચાલુ પિકઅપ વાનમાં. ઈજ્જત બચાવવા માટે 6થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી હતી. ચાલુ પીકઅપ વાનમાંથી છલાંગ મારવાને કારણે દીકરીઓને ઈજા પણ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા. તે કિસ્સો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.
શિક્ષણ મંત્રીએ છાત્રાઓ સાથે કરી હતી મુલાકાત
સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીની મુલાકાત લેવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા. સૌથી પહેલાં બોડેલી ખાતે હજી પણ હોસ્પિટલમાં દાખલ એક છાત્રાની મુલાકાત લીધી હતી. ત્યાંથી શિક્ષણ મંત્રી સંખેડા તાલુકાના વિદ્યાર્થિનીઓના ગામે પહોંચ્યા હતા. જ્યાં પાંચ છાત્રા સાથે મુલાકાત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે દીકરીઓની બહાદુરીને બિરદાવવામાં આવી છે, તેમનું સન્માન કરવામાં આવ્યું છે. પોલીસની કામગીરીના વખાણ કરતા તેમણે કહ્યું કે કોસીન્દ્રાની હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાથે જે ઘટના બની એમાં જે કોઈ આરોપી હતા. એમને પોલીસે દબોચી લીધા છે અને એને જેલના હવાલે કર્યા છે.
એસટી બસની કરાશે યોગ્ય વ્યવસ્થા!
આ ઘટના બની ત્યારે એવું સામે આવ્યું હતું કે એસટી બસની અછત છે તે વાત ખોટી છે. જ્યાં ઘટના બની ત્યાં એસટી બસ ચાલે છે, એસટી બસની ફ્રિક્વન્સી પણ છે તેવી વાત સામે આવી હતી. પરંતુ આ મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે એસ.ટી.ડેપો તરફથી બસની વ્યવસ્થા નહોતી એ પણ કરાવાઈ છે. આ જ ગામ પૂરતી નહીં પણ આવનારા સમયમાં બીજા આવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં આપણા વિદ્યાર્થી ભાઈ-બહેનો જે અભ્યાસ માટે અપડાઉન કરે છે.
રાજ્ય સરકાર મંગાવશે સારવારના ખર્ચ અંગેનો રિપોર્ટ
વધુમાં કુબેર ડિંડોરે કહ્યું કે એમની શાળા શરૂ થવાના અને છૂટવાના ટાઈમનો શિડ્યુલ મંગાવ્યો છે અને આગામી દિવસોમાં જે કંઈ હશે એ વાહન વ્યવહાર મંત્રી અને ડેપો સાથે મળીને એનો નિર્ણય લેવાશે. ઉપરાંત એવું પણ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થિની અને રજા અપાયેલ વિદ્યાર્થિનીઓની સારવારનો જે કંઈ ખર્ચ હશે એ માટે અમે રાજ્ય સરકાર તરફથી એ બાબતે રિપોર્ટ લઈશું,એની વ્યવસ્થા કરીશું.
દીકરી ડર વગર ફરી શકે તેવી થવી જોઈએ વ્યવસ્થા!
મહત્વનું છે કે જે કિસ્સો આ દીકરી સાથે બન્યો છે તે કોઈની સાથે પણ બની શકે છે. આ દીકરી પોતાની ઈજ્જત બચાવવા સફળ થઈ પરંતુ અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં દીકરીની આબરૂ લૂંટાઈ જાય છે અને દીકરી કંઈ કરી પણ નથી શક્તી. સરકારે આવા કિસ્સાઓ ન બને તે માટેનો પ્રયાસ કરવો જોઈએ. દીકરી ડર વગર ફરી શકે તે જોવાની જવાબદારી સરકારની છે....