લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસે અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો હતો.
ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને બનાવાયા છે ભરૂચના ઉમેદવાર
ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર-નવાર થતી હોય છે. ઉમેદવારો વચ્ચે થતા વાક્યુદ્ધ ચર્ચાનો વિષય બનતા હોય છે, બનાસકાંઠામાં બેન વિરૂદ્ધ દીકરીનો જંગ જોવા મળવાનો છે જ્યારે ભરૂચમાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક આમ પણ રસપ્રદ છે કારણ કે ત્યાં ઉમેદવાર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ભાજપે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે કર્યો પ્રચાર
ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો. છોટા ઉદેપુરના ક્વાંટમાં શક્તિસિંહ પહોંચ્યા હતા. સંબોધનમાં તેમણે ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવાને સંસદ સુધી પહોંચાડવાની વાત કરી હતી. તે ઉપરાંત આદિવાસી વિસ્તારને લઈને પણ તેમણે વાત કરી હતી.